ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

લુપ્ત થતા વન્યજીવો, કારણો અને સંરક્ષણ માટેના ઉપાયો

સૌરાષ્ટ્રની નંબર વન ન્યુઝ પોર્ટલ
જે પ્રાણીજાતિનાં છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા ન રહી હોય એ પ્રાણીજાતિ ‘લુપ્ત વન્ય જીવ’ કહેવાય છે. આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રનાં જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતનાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આજે ભારતનાં જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતનાં જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવ મળે છે.
ગીધ, ગુલાબી ડોકવાણી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલાં એટલે કે લુપ્ત થવની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યમાં જોવા મળતા મોટા ચિલોત્રા ભાગ્યે જ જોવા મળે છે. નદીઓનાં મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાલ અને ગંગેય ડૉલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્રકિનારે રેતીના તટે ઇંડાં મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાતમા નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જલબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે.

આપણે થતો વિચાર કે વન્ય જીવ લુપ્ત કેવી રીતે થાય? તો ચાલો જાણીએ વન્ય જીવોના વિનાશનાં કારણો વિશે કે જે ગુજરાત બોર્ડ નાધોરણ 10 સામાજિક વિજ્ઞાન ના એક પ્રકરણ વન અને વન્ય જીવ સંસાધન માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. તો ચાલો જાણીએ વન્ય જીવ વિનાશ થવાના કારણો:

વન્ય જીવોના વિશાનશનાં કારણો:
જંગલોની ઘાસભૂમિ અને જલપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્ય જીવોનાં કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયાં છે.જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. શિકારીઓ વાળ, ખાલ, હાડકાં, શિંગડાં, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણાં વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યાં છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઈમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષચ્છેદન; રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનીજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્ય જીવોને પ્રભાવિત કરે છે. નિર્વાસિત થતા ઘણા વન્ય જીવો પ્રાણ ગુમાવે છે. બળતણ, ઘાસચારો કે પશુચારા માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે.જંગલમાં લાગતી આગ ઘણાં પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચાં ઉછેરવાના કે ઈંડાં સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાનાં કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલાં પ્રાણીઓ ઘણી વાર માનવવસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે.
વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો:
વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતાં જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રીત થતાં બચાવવાં જોઈએ. જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની વસ્તીગણતરી કરવી જોઈએ તેમજ જંગલના જળસ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ અને પાલતુ પશુચરણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વન્ય જીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવા જોઈએ. તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. જંગલોનાં ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનનકાર્ય પર મૂકેલ પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્ય જીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્ય જીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. વન્ય જીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવી તેને સક્રિય બનાવવું જોઈએ.  બીમાર વન્ય જીવોને સમયસર તબીબી સારવાર આપવની વ્યવસ્થા કરવી જોઈએ. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ.
વન્ય જીવ સંદર્ભે જાગરૂકતા કેળવવા વિવિધ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. વન્ય જીવોનાં ચિત્રોવાળી ટપાલટિકિટો બહાર પાડવી જોઈએ.
(સરકારી અહેવાલ અનુસાર )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *